Thursday, 22 January 2009

સુખની અનુભૂતિ વગર સફળતા નકામી

બસ એટલી સમજ મને પરવરદિગાર દે,

સુખ જયારે જયાં મળે ત્યાં બધાના વિચાર દે

- મરીઝ

સુખ અને સંબંધો બહુ જ અટપટી ચીજ છે. માણસ આખી જિંદગી જે કંઈ કરે છે તે બધું જ અંતે શા માટે કરે છે? તેનો સીધો જવાબ છે કે, સુખ માટે.

સુખ એટલે શું? એવો સવાલ તમને કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? એક તત્ત્વચિંતકે દસ શિષ્યોને કહ્યું કે, તમે મને લખીને આપો કે સુખ એટલે શું? તમે કયારે સુખ અનુભવો? આ શિષ્યોમાં એક રાજાનો દીકરો હતો. તેણે લખ્યું કે, હું મારા દુશ્મન ઉપર જીત મેળવીશ ત્યારે સુખ અનુભવીશ. એક શિષ્ય સાધુનો પુત્ર હતો. તેણે લખ્યું કે બધા શાસ્ત્રોનું જ્ઞાન જયારે હું મેળવી લઈશ ત્યારે મને સુખ મળશે. બધા શિષ્યોની સુખની વ્યાખ્યા અલગ હતી.

એક શિષ્યે સાચો જવાબ આપ્યો. હું ત્યારે જ સુખી બની શકીશ, જયારે હું સુખનો અહેસાસ કરી શકીશ. સુખ એક અહેસાસ છે. માત્ર સફળતા જ સુખ નથી આપતી. અમેરિકામાં સફળતાને વરેલા અનેક લોકોનો એક સરવે થયો હતો. પોતાનાં ક્ષેત્રોમાં સફળતાની ટોચે બિરાજેલા લોકોને પૂછવામાં આવ્યું કે તમે સુખી છો? મોટા ભાગનાએ જવાબ આપ્યો હતો કે, ના. થોડાક લોકોનો જવાબ હતો, અમને ખબર નથી!

સુખનો મતલબ જ ન સમજાય તો સુખનો અહેસાસ કયાંથી થાય? એક યુવાને કહ્યું કે, હું સફળતાની પાછળ પાગલ હતો. મેં સફળ થવા રાત-દિવસ મહેનત કર્યે રાખી.પત્ની તરફ પણ સાવ બેદરકાર બની ગયો. મિત્રોથી દૂર થઈ ગયો. પરિણામ એ આવ્યું કે પત્ની ડિવોર્સ લઈ બીજાને પરણી ગઈ. મિત્રો બધા જ છૂટા પડી ગયા. એક દિવસએ સફળ જરૂર થયો પણ, એ સાવ એકલો હતો.એક જૂનો મિત્ર તેને મળ્યો. મિત્રને પૂછ્યું કે મારી સફળતા માટે તાળીઓ પાડનારું કેમ કોઈ નથી? મિત્રે કહ્યું કે કયાંથી હોય? જે હાથ તાળીઓ પાડે તેવા હતા એ બધા હાથને તો તું બહુ જ દૂર છોડી આવ્યો છે. દુ:ખ એકલાથી સહન થઈ શકે છે. સુખ માટે તો સાથીદાર જૉઈએ. જેની પાસે સાથીદારો હોય છે તેને દુ:ખ પણ આકરું નથી લાગતું. દુ:ખમાં આંસુ લૂછવા માટે અને સુખમાં ખભો થાબડવા માટે જેની પાસે કોઈના હાથ નથી હોતા તે માણસ દુનિયાનો સૌથી દુ:ખી માણસ છે. કેરિયર, ટાઇમ મેનેજમેન્ટ, એટિટયૂડ, એચિવમેન્ટ, ગોલ, ઇન્સેન્ટિવ્ઝ, પ્રમોશન પાછળ માણસ પાગલ છે. આ બધાની વરચે સુખ કયાંક ભૂલું પડી ગયું છે. એપોઇન્ટમેન્ટ્સની ડાયરીમાં સુખ અને શાંતિ માટે કોઈ પાસે સમય નથી. મોબાઇલનો સૌથી વધુ ઉપયોગ ખટપટ અને કાવાદાવા માટે થાય છે. આનંદ પણ હવે આપણને એસએમએસથી મળે છે.

સંબંધોમાં પણ શબ્દો અને સાંનિઘ્ય ઘટતું જાય છે. એસએમએસની નવી ભાષા અસ્તિત્વમાં આવી છે. શબ્દો પણ ટૂંકા થઈ ગયા છે. શબ્દો ટૂંકા થયા તેનો રંજ નથી પણ અર્થોટૂંકા થઈ ગયા તેનું દુ:ખ છે. સંબંધો જ સુખ આપે છે. તમે તમારા સંબંધો જાળવો છો? પત્ની માટે, સંતાનો માટે, પરિવારજનો માટે, મિત્રો માટે, સાથે કામ કરનારા લોકો માટે અને ખુદ તમારા માટે તમને સમય છે? આજના સમયનું સૌથી મોટું સંકટ શું છે? એકલતા. માણસ એકલો પડી રહ્યો છે. એટલો બધો બિઝી થઈ ગયો છે કે પોતાની સાથે સંવાદ કરવાનો પણ સમય નથી. શેડયૂલ એટલો ટાઇટ થઈ ગયો છે કે એક નવું કે અણધાર્યું કામ આવી જાય તો બીજું એક કામ પડતું મૂકવું પડે છે. કામ, નામ અને દામ પાછળ માણસ મુઠ્ઠીઓ વાળીને દોડતો રહે છે. ઉભો રહીને મુઠ્ઠી ખોલે છે ત્યારે મુઠ્ઠી ખાલી હોય છે. તમારા માટે સૌથી મહત્ત્વનું શું છે? ટાર્ગેટ એચિવ કરવાનાં ઢગલાબંધ ટૂલ્સ શીખવવામાં આવે છે. કેરિયર માટે આ બધું જરૂરી છે; પણ સાથોસાથ એ પણ વિચારજૉ કે પ્રેમ તમારી કઈ પ્રાયોરિટીમાં આવે છે? સંબંધો અને સેન્ટિમેન્ટ્સ માટે તમારું પ્લાનિંગ અને એકિઝકયુશન શું છે? સાચું એચિવમેન્ટ એ છે જયારે તમારા લોકોને તમારા માટે ગૌરવ અને આદર હોય. સાચું ફૂલ એ છે જે બગીચામાં ખીલે. રણની વરચે એકલું ખીલેલું ગુલાબ કોઈને સુગંધ આપી શકતું નથી. થોડુંક વિચારજૉ, તમારો બગીચો મઘમઘી રહ્યો છે કે નહીં?

છેલ્લો સીન :

સફળતા એટલે જે ગમે તે મળે. સુખ એટલે જે મળે તે ગમે. - રોબર્ટ સ્કૂલર.

Source : Divyabhaskar Kalash

No comments:

Post a Comment